ને અબ્દુલ કલામે એવું કર્યું કે રાષ્ટ્રપતિ ભવન જોતું રહી ગયું !

3 min read
Thumbnail

અબ્દુલ કલામ નામ પડે એટલે જ સતત ઉત્સાહથી કશુંને કશું કામ કરવા માટે થનગનતા રહેતા ઓલિયા ગણાય એવા ભારતના મિસાઇલ મેન અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલા કલામનો લાંબા વાળ સાથેનો ચહેરો નજરે પડી જાય. ખરેખર તો કલામ વિજ્ઞાની, પરંતુ પાછળથી વાજપાઇ સરકારમાં તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા. રાષ્ટ્રપતિ તરીકે તેમણે ફરજ ભલે બજાવી, પરંતુ તેમનો માનવીય ચહેરો સતત જોવા મળ્યો. અન્ય ખંધા રાજકારણીઓની સામે કલામનો માનવીય અભિગમ અને નૈતિક મૂલ્યોનું ખમીર તેમના ચહેરા પર જોવા મળતું હતું.

અબ્દુલ કલામ પહેલા માનવી હતા અને તેથી જ તેમના જીવનમાં નૈતિક મૂલ્યો સર્વોપરી જોવા મળતા હતા. તેઓ રાષ્ટ્રપતિ હતા અને મે 2006માં તેમણે પરિવારજનોને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવ્યા હતા. સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિ ભવન અને તેનો મુગલ ગાર્ડન જોવા માટે અનેક સહેલાણીઓ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેતા હોય છે. સામાન્ય પરિવાર માટે તો દિલ્હી પણ જોવાનું જીવનમાં નસીબ હોતું નથી, ત્યારે પરિવારની કોઇ વ્યક્તિ દિલ્હી રહેતું હોય, ત્યારે એ પરિવારના લોકોને એવી ઇચ્છા તો હોય જ કે દિલ્હી એક વખત તો જવું જોઇએ. રાષ્ટ્રપતિ કલામનો પરિવાર સામાન્ય જ છે. એ પરિવાર સાથે રહી શકાય અને પરિવારજનો દિલ્હી જોઇ શકે એ માટે કલામે પરિવારના લોકોને દિલ્હી આવવા માટે આમંત્રણ મોકલ્યું. એ સમયે કલામને જેમના પ્રતિ સૌથી વધુ પ્રેમ હતો, એવા મોટા ભાઇ એપીજે મુત્થૂ મરાઇકયારનો એક દીકરો દિલ્હીમાં જ હતો. પરંતુ તે કાકા કલામ સાથે રહેવાને બદલે મુનિરકામાં ભાડાના મકાનમાં રહેતો હતો ! આજના રાજકારણીઓના પરિવારજનો તો સરકારી બંગલામાં પડ્યાપાથર્યા રહેતા હોય છે, ત્યારે કલામ તો દેશના સર્વોચ્ચ પદે હતા, છતાં તેમનો ભત્રીજો ભાડાની રૂમમાં રહેતો હતો !

કલામે પરિવારને દિલ્હી જોવા આવવા આમંત્રણ આપ્યું એટલે બધા જ દિલ્હી જવા તૈયાર થઇ ગયા અને એક બે નહીં પણ 52 પરિવારજનો દિલ્હી પહોંચી ગયા. રાષ્ટ્રપતિભવનમાં તેમને રહેવા માટેની સુવિધા કરાઇ હતી. આઠ દિવસ સુધી તેઓ રહ્યા, એ દરમ્યાન દિલ્હી પણ જોયું અને અજમેર શરીફ પણ ગયા હતા. દિલ્હી સુધી જનારા અજમેર શરીફના દર્શન પણ કરી દુઆ કરે એ સમજી શકાય એમ છે. કલામના પરિવારમાં તો 52 લોકો હતા, તેથી એક બસ જ રાખવામાં આવી, જેથી તેઓ અજમેર શરીફ સારી રીતે જઇ શકે.

આઠ દિવસ રહ્યા બાદ પરિવાર તો તેમના વતન રામેશ્વર પહોંચી ગયો. એ સાથે જ અબ્દુલ કલામે પરિવારના રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા તથા ખાવા પીવાનો ખર્ચ તથા અજમેર શરીફ જવા માટેની બસનું ભાડું મળીને સાડા ત્રણ લાખનો ખર્ચ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી ચેક આપીને રાષ્ટ્રપતિભવનને જમા કરાવી દીધો હતો ! આજે તો સાંસદ નહીં રહ્યા બાદ પણ સરકારી આવાસ ખાલી નહીં કરતા કેટલાય સાંસદો છે, ત્યારે ભારતના રાજકારણમાં નૈતિક મૂલ્યોની તો આશા જ કઇ રીતે રાખી શકાય. અબ્દુલ કલામના અનેક પ્રસંગોને આપણે ટાંકીને તેમની વાહવાહ કરતા રહીએ છીએ, પરંતુ તેમના જેવા મૂલ્યો જીવનમાં ઉતારીએ તો આપણો ખરો રાષ્ટ્રપ્રેમ ઝળહળી ઉઠે.

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.