મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકાથી ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી. આ સમય દરમિયાન કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સવારે છ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. જ્યારે તેનું કેન્દ્ર હરિયાણાનું ફરીદાબાદ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર જણાવ્યું હતું કે 22 જુલાઈ 2025 ના રોજ સવારે 6:00 વાગ્યે 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ફરીદાબાદમાં હતું અને તે 28.29 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.21 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 5 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
ભૂકંપ વૈજ્ઞાનિકોના મતે, આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે સાત મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત ફરતી રહે છે અને ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. આ ટક્કરના પરિણામે, પ્લેટોના ખૂણા વાંકા વળી શકે છે અને વધુ પડતા દબાણને કારણે તે તૂટી પણ શકે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહારની તરફ ફેલાવાનો માર્ગ શોધે છે અને જ્યારે આ ઉર્જા જમીનની અંદરથી બહાર આવે છે, ત્યારે ભૂકંપ આવે છે.
એ પણ નોંધવું પડે કે ગયા અઠવાડિયે પણ હરિયાણાના ઝજ્જરમાં 2.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 5 કિલોમીટર હતી. તેનું કેન્દ્ર 28.64 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 76.75 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. અગાઉ, 10 અને 11 જુલાઈના રોજ, ઝજ્જરમાં જ 4.4 અને 3.7 ની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપની અસર દિલ્હી, ગુરુગ્રામ, રોહતક, નોઈડા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) ના અન્ય ભાગોમાં અનુભવાઈ હતી. જોકે આ ભૂકંપની ઘટનાઓથી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ તેનાથી લોકોમાં ભય વધી ગયો છે.
About Team gujarat365
Gujarat 365 team.