ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે પાકિસ્તાને જમ્મુ, જેસલમેર અને પઠાણકોટ સહિતના ભારતીય શહેરો પર અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતો, જો કે ભારતીય સેનાએ એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. એ પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ જ નહીં પણ લાહોર, સિયાલકોટ અને રાવલપિંડી પર પણ હુમલા કર્યા હતા. જો કે સાવચેતી માટે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર, જમ્મુ અને રાજૌરી, પંજાબમાં અમૃતસર અને જલંધર, ગુજરાતના ભૂજ અને સરહદને અડીને આવેલા અન્ય મુખ્ય વિસ્તારોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.
ગુરુવારે મોડી રાત્રે, પાકિસ્તાની સેનાએ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 15 શહેરોમાં લશ્કરી મથકોને મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ એ હુમલાઓને નિષ્ફળ કર્યા હતા. પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભારતે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને સંકલિત માનવરહિત વિમાન વિરોધી સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ભારતે પાકિસ્તાનના હાઇ-ટેક AWACS ને તોડી પાડ્યું હતું.
પાકિસ્તાની સેનાએ 7-8 મેની રાત્રે અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ (માનવરહિત વિમાન સિસ્ટમ) ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ કર્યા હતા.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ લાહોર, ગુજરાંવાલા, ચકવાલ, બહાવલપુર, મિયાનો, કરાચી, છોર, રાવલપિંડી અને અટોકમાં ભારતીય ડ્રોન હુમલાઓ થયા હોવાનું સ્વીકાર્યું હતું, પણ તેમણે શેખી મારી હતી કે એ હુમલા નિષ્ફળ કર્યા હતા. જો કે લાહોર નજીક એક ડ્રોન હુમલામાં ચાર સૈનિકો ઘાયલ અને ત્રણ નાગરિકોના મોત થયા હોવાનું પાકિસ્તાને સ્વીકાર્યું હતું.
About Team gujarat365
Gujarat 365 team.