ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સાવ અચાનક જ સોમવારે રાત્રે રાજીનામું આપી દેતાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
અનેક મુદ્દાઓ એ સાથે જ ચર્ચામાં આવી ગયા છે. તેમણે આખો દિવસ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામકાજ સંભાળ્યું હતું. એ સંજોગોમાં અચાનક જ એવો તે કયો મુદ્દો આવી ગયો કે તેમણે રાજીનામું આપવું પડ્યું એ રહસ્ય ઉકેલવા સૌ મથતા રહ્યા છે. અનેક અટકળો ચાલતી રહી છે. એક મુદ્દો એવો છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ કોઈ બીજી વ્યક્તિને આસીન કરવા માટે તેમણે ખુરશી ખાલી કરી આપવી પડી છે. બીજી એક અટકળ એવી પણ છે કે રાજ્યસભાના નેતા અને ભાજપના નડ્ડાએ રાજ્યસભામાં ખોંખારીને કહ્યું કે રાજ્યસભામાં કોઈનું નિવેદન રેકોર્ડ થશે નહીં, ફક્ત તેઓ બોલે એ જ રેકોર્ડડ પર જશે. વાસ્તવમાં રાજ્યસભામાં કોનું નિવેદન રેકોર્ડ પર લેવાશે અને કોનું નિવેદન રેકોર્ડ પર નહીં લેવાય એ અધિકાર ફક્ત રાજ્યસભાના અધ્યક્ષનો જ છે. એ મુદ્દો તેમને અપમાનજનક લાગ્યો હોય અને તેથી તેમણે રાજીનામું આપી દીધું હોઈ શકે. જો કે જગદીપ ધનખડ ઘણા સમયથી ન્યાય તંત્ર સાથે બાખડી રહ્યા હતા, એ સમયે એમ લાગતું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે ચાંપલુસી કરતા રહ્યા છે.
મુદ્દા તો અનેક છે. ન્યાયતંત્ર સાથે સંસદ સર્વોપરી હોવાનું કહીને સંઘર્ષમાં ઉતર્યા હતા. એ અલગ વાત છે કે મુખ્ય ન્યાયાધીશે સોય ઝાટકીને કહ્યું કે બંધારણ સર્વોપરી છે. એ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમણે વિપક્ષની બોલતી બંધ કરવાનું પણ કામ કર્યું હતું. એમ છતાં ખરેખર તેમણે રાજીનામું કયા કારણસર આપ્યું એ તો હવે તેઓ જ મોં ખોલે તો સમજાય, પરંતુ અત્યારે તો એક જ કારણ જાણવા મળે છે.
રાષ્ટ્રપતિ મુર્મુને મોકલેલા રાજીનામામાંધનખરે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય કારણો દર્શાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ બંધારણના અનુચ્છેદ 67 (a) હેઠળ, તબીબી સલાહને અનુસરીને અને આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા માટે તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
એટલે સત્તાવાર રીતે તો જગદીપ ધનખડના રાજીનામાનું અસલી કારણ તો તેમનું નબળું સ્વાસ્થ્ય જ છે.
About Team gujarat365
Gujarat 365 team.