ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. મંધાના એક દિવસીય ક્રિકેટ મેચફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનારી પ્રથમ મહિલા બની છે.
સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. તેણીએ 2025 માં અત્યાર સુધી કુલ 18 મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે 1997 માં 16 મેચની 14 ઇનિંગ્સમાં 80.83 ની સરેરાશથી 970 રન બનાવ્યા હતા. જ્યારે આ યાદીમાં ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડની લૌરા વોલ્વાર્ડટે 2022 માં 18 ODI માં 882 રન કર્યા હતા.
આ યાદીમાં ચોથા ક્રમે 1997 માં 16 વનડેમાં 62.85 ની સરેરાશથી 880 રન બનાવનાર ડેબોરાહ હોકલી છે, જ્યારે 2016 માં 15 મેચની 14 ઇનિંગ્સમાં 85.30 રનની સરેરાશથી 852 રન બનાવનાર એમી સેટરથવેટ પાંચમા ક્રમે છે.
સ્મૃતિ મંધાનાએ આ વર્ષે આયર્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી છે. આ વર્લ્ડ કપમાં તેણીએ 8, 23 અને 23 રન બનાવ્યા છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં ત્રણમાંથી બે મેચ જીતીને ત્રીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને શ્રીલંકા સામેની પોતાની પહેલી મેચ 59 રનથી જીતી હતી. ત્યારબાદ, તેણે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. જોકે, ભારત દક્ષિણ આફ્રિકા સામે પોતાની ત્રીજી મેચ ત્રણ વિકેટથી હારી ગયું હતું.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પોતાની ત્રણ મેચમાંથી બે જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે પોતાની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને 89 રનથી હરાવ્યું હતું, ત્યારબાદ શ્રીલંકા સામે ડ્રો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું હતું.
About Team gujarat365
Gujarat 365 team.