ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી મહત્વપૂર્ણ વર્લ્ડ કપ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ડીએલએસ પદ્ધતિ હેઠળ ન્યુઝીલેન્ડને 53 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારત સેમિફાઇનલમાં ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહેલાથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
વરસાદથી પ્રભાવિત મેચમાં, ન્યુઝીલેન્ડને ડીએલએસ પદ્ધતિ હેઠળ 44 ઓવરમાં 325 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. વિશાળ લક્ષ્યનો પીછો કરતા, ન્યુઝીલેન્ડે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી હતી. આનાથી રન રેટ પર અસર પડી, અને ટીમ ક્યારેય જીતતી દેખાતી ન હતી. પાંચમા નંબર પર બેટિંગ કરતી બ્રુક હેલિડેના 84 બોલમાં 81 રન અને સાતમા નંબર પર બેટિંગ કરતી વિકેટકીપર ઇઝી ગેજના 51 બોલમાં અણનમ 65 રનના કારણે, ન્યુઝીલેન્ડે નિર્ધારિત 44 ઓવરમાં 8 વિકેટે 271 રન બનાવ્યા હતા, પરંતુમેચ 53 રનથી હારી ગઈ હતી. ભારત તરફથી રેણુકા સિંહ અને ક્રાંતિ ગૌડે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે સ્નેહ રાણા, એન. ચારણી, દીપ્તિ શર્મા અને પત્રિકા રાવલે 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ભારતીય ટીમે 49 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. વરસાદને કારણે, ભારતીય ઇનિંગ્સ 50 ને બદલે 49 ઓવર સુધી મર્યાદિત રહી હતી. પ્રથમ બેટિંગ કરતા, પ્રતિકા રાવલે અને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી કરી હતી.
સ્મૃતિ મંધાનાએ 95 બોલમાં 4 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. આ મંધાનાની ODI કારકિર્દીની 14મી સદી અને આ વર્ષની તેની 5મી સદી હતી. પ્રતિકા રાવલે 134 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 122 રન,જેમીમા રોડ્રિગ્સે 55 બોલમાં 11 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા.
About Team gujarat365
Gujarat 365 team.
