લક્ઝરી બસમાં આગ લાગતાં 32 થી વધુ લોકો ભડથું થઈ ગયા

1 min read
Thumbnail

આંધ્રપ્રદેશમાં કુર્નૂલ જિલ્લામાં વહેલી સવારે એક ખાનગી લક્ઝરી પેસેન્જર બસમાં આગ લાગતાં 32 થી વધુ લોકો જીવતા ભડથું થઈ ગયા છે, જ્યારે 12 મુસાફરો બસમાંથી કૂદી પડી બચી ગયા હતા.

હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર ચિન્ના ટેકુરુ ગામ પાસે ખાનગી ટ્રાવેલ કંપની કાવેરીની બસ જઈ રહી હતી, ત્યારે એક બાઈક સાથે અથડાતાં ભીષણ આગ લાગી ગઈ હતી. વહેલી સવાર હોવાને કારણે બસમાં મુસાફરો સુતા હોવાને કારણે બચી જવામાં મુશ્કેલી રહી હતી. લક્ઝરી એસી બસ હોય બંધ હતી અને બેસવા- સુવા માટે બોક્સ સુવિધા હોવાને કારણે મુસાફરો બહાર નીકળી શક્યા નહીં. મિનિટોમાં જ બસ આગમાં લપેટાઈ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મોટાભાગના મુસાફરો બહાર નીકળી શકે એ પહેલાં જ ફસાઈ ગયા હતા. જો કે 12 મુસાફરો બસમાંથી કૂદી પડી જીવ બચાવી શક્યા હતા. જો કે તમાંથી કેટલાક દાઝી ગયા હતા.

અગ્નિશમન અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી જઈ આગ બુઝાવવા અને બચાવ કાર્ય માટે જહેમત ઉઠાવી હતી. અધિકારીઓએ હજુ સુધી મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી, પરંતુ ઘટના જોતાંજાનહાનિનો આંકડો અંદાજી શકાય છે.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જિલ્લા અધિકારીઓને તાત્કાલિક રાહત પગલાં અને બચી ગયેલા લોકોને તબીબી સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.